🔺️વિદ્યાર્થી છો…. વિદ્યાના જ “અર્થી”બનો ખુદ “અર્થી”પર શા માટે ???

IMG-20180129-WA0020

 

આ એક કરુણ ઘટના છે,કે આજની યુવા પેઢી ડિપ્રેશન આત્મહત્યા તરફ આગળ વધી રહી છે. ડિજિટલ યુગમાં બધું સ્માર્ટ થયું છે તો માણસની વિચાર શક્તિ શા માટે સ્માર્ટ બનતા અટકે છે ? સુવિધાઓ જેમ જેમ વધી છે તેમ તેમ આળસ પણ વધી છે અને સહનશક્તિ ઘટી છે. અત્યારના એક વાત પર ખૂબ ચર્ચા થાય છે “શિક્ષણ” લોકોનું માનવું એવું છે કે “ભાર વગરનું ભણતર” હોવું જોઈએ એના બદલે વિદ્યાર્થીઓ પર ભણતરના ભારનો જાણે ખડકલો કરી દેવામાં આવ્યો છે. કોઈ વિદ્યાર્થી આત્મહત્યા કે ડિપ્રેશનનો ભોગ બને એટલે સીધી આંગળી “શિક્ષણ” તરફ ચીંધાય છે ? આ કેટલા અંશે સાચું છે ???

એકવાત હંમેશા યાદ રાખવી કોઈ તરફ ચીંધાતી એક આંગળીનો દોષ બીજી ત્રણ આંગળી આપણા તરફ જ આવે છે માત્ર ભણતર કે શિક્ષણ પદ્ધતિનો વાંક મને તો નથી જ લાગતો અને નથી જ. વિદ્યાર્થીઓના ૮૦-૯૦ ના દાયકાના સમયમાં પણ આત્મહત્યાના સમાચારો આવતા જ, પણ ફરક એટલો કે એનું પ્રમાણ હવે વધી ગયું છે. આ ગંભીર પરિસ્થિતિને હરાવવા કોઈ ઉપર દોષારોપણ કરવાને બદલે એને અટકાવવા પર વિચાર અને અમલ કરવો જરૂરી છે…

દેશનું ભાવિ, એક વિદ્યાર્થી, એક જીવ… એમ હિંમત હારે તો વાંક કોનો ?

દોસ્તો, વાંક… છે ઘરમાંથી મળતા વાતાવરણનો, મા-બાપ દ્વારા કરવામાં આવતી સરખામણીનો, બાળકને નાનપણથી જ ઘોડાની જેમ રેસમાં દોડાવવાની વિચારસરણીનો, આપણા સમાજનો, ત્યાર બાદ શિક્ષણનો, સિસ્ટમનો અને સિસ્ટમથી બંધાયેલાં શિક્ષકોનો. બધાનાં કટાક્ષો સાંભળીને,મનમાં હજારો વાર થાકીને,હારીને,મનમાં અનેકવાર મરી ને અંતે કોઈ બાળક આત્મહત્યા તરફ દોરાઈ છે.કોઈ એક નિષ્ફળતામાં મરવાની હિંમત કરે એવી નબળી પેઢી પહેલા પણ ન હતી ને આજે પણ નથી જ….

બાળમાનસ ખૂબ જ સંવેદનશીલ હોય છે.દોસ્ત,તમારી કહેલી ન કહેલી બધીજ વાતો તે પોતાની સમજ પ્રમાણે મનમાં વિચારી લેતો હોય છે એટલે જ કોઈપણ બાળકની સામે માત્ર શબ્દોથી જ નહીં, આપણા હાવભાવ, પ્રતિભાવો, હંમેશા હકારાત્મક રાખવા જોઈએ.એક સામાન્ય વાતથી આપણે સૌ પસાર થઈ ચૂકેલા છીએ કે આપણને શરીર ઉપર કઈ વાગે તો તરત જ દવા લગાડીએ છીએ નહિ કે તે વધુ દુઃખે તેવું કામ કરીએ છીએ.તો બાળકો સાથે બનેલ ઘટનાને સરળતા – સહજતાથી અપનાવીને તેમાંથી આપણાં બાળકને બહાર કાઢવાનું કામ કરવાનું છે અને વધારે દુઃખના અંધકારમાં ધકેલવાનું નથી.

ઈશ્વરે ચાર આંગળીને એક અંગૂઠો એક સમાન નથી બનાવ્યા પણ બધાને પોતાનું મહત્વ અને આગવી વિશેષતા છે. કોઈ એક વગર કામ કરવું મુશ્કેલ થાય છે તે જ રીતે બધા બાળકો ભણવામાં હોશિયાર જ હોય. પ્રથમ નંબર જ આવે હંમેશા એવો હઠાગ્રહ ન રાખવો જોઈએ. દરેક બાળકની અંદર અલગ અલગ ખાસિયતો છુપાયેલી હોય જ છે. આપણું કામ તેનામાં રહેલી ખૂબીને જાણીને તેને ચાર ચાંદ લાગવાનું છે. કોઈને ભણવામાં રસ હોય તો કોઈને રમતમાં, ચિત્રમાં, ખેતીનાં કામકાજમાં, નૃત્યમાં , સંગીતમાં, વાકચાતુર્યમાં, અભિનયમાં આવા ઘણાં અપાર ક્ષેત્રો છે જેમાં બાળક પોતાની રુચીને વિકસાવીને ઉજ્જવળ ભવિષ્ય બનાવી શકે છે. આપણે તેને ડરાવવા કે ધમકાવાનો નથી પરંતુ વિદ્યાર્થીમાં આત્મવિશ્વાસ, સ્વમાન, સાહસ, વિનય વિવેક, ચાતુર્ય જેવા ગુણો અને સાચા ખોટાની પરખને વિકસાવી માત્ર તેમાં “MORAL SUPPORT” તરીકે આંતરિક શક્તિ બની ઉભા રહેવાનું છે. બાળક આગળ વધે પ્રથમ આવે તેવા આગ્રહમાં બાળક જ ના રહે તેવું આપણે કોઈ ન જ ઇચ્છીએ ….ખરૂં ને ! ! !

આ તો આપણે બધાને સમજવાની વાત થઈ. પણ હવે થોડુંક આજની પેઢી “વિધાર્થી મિત્રો”ને પણ મારે કંઈક કહેવું છે : તમે બધાં જ ઘણા સમજુ છો, બુદ્ધિચાતુર્યથી ભરપૂર છો, ટેકનોલોજી અને ગૂગલની મદદથી બધુ જ કરી લેશો એવું માનો છો અને અંશતઃ સાચું પણ છે જ મિત્રો ! પણ “અનુભવ” તો ગુગલ પાસેથી નહિ આપણા મા-બાપ વડીલો ગુરુજનો પાસેથી જ મળશે અને એમાં પણ “મા-બાપ” અને “શિક્ષક” આ બે એવા વ્યક્તિત્વ ધરાવે છે કે તે તો પોતાના બાળકોનું ભૂલમાં પણ ખરાબ ન જ ઈચ્છે અને ન જ થવા દે. આથી તેમના પર વિશ્વાસ મુકતા દરેક વિદ્યાર્થી મિત્રોએ શીખવું જ જોઈએ. એમણે મેળવેલી અનુભવોની પાઠશાળાની શીખ આપણા જીવનમાં આવતી મુશ્કેલીઓને દૂર કરવામાં અસરગત નીવડે છે.

અંતે એટલું જ કહીશ કે જીવન છે, નાની- મોટી વાતો તો ચાલ્યા કરે. ભલે થાકો હારો પણ ફરી નવા જોમ સાથે ઉભા થાઓ દોસ્ત ! દરેક અંધારી રાતની એક સુંદર સવાર હોય જ છે. થોડુંક સાંભળતા શીખો, સહન કરતા શીખો અને મનમાં ખોટી વાતો ભરવાનું છોડી દો. આજથી નક્કી કરો કે ભલે ગમે તે થાય પણ મારા અપમોલ..અપાર.. જીવનનો અંત તો નહીં જ કરું…!
આત્મહત્યા તો નહીં જ કરું….!

🚩 અપાર….ટકોર….

જન્મ આપણાં હાથની વાત નથી,
તે જ રીતે મૃત્યુ પણ ઈશ્વરના હાથમાં જ છે,
આ કુદરતના અપાર ક્રમનેશા માટે તોડવો ???

Advertisements

પરીક્ષા માટે બાળકોને ગંભીર બનાવો ભીરૂ નહિ..

🔎 પરીક્ષા માટે બાળકોને
🔎 ગંભીર બનાવો ભીરૂ નહિ..

આપણે સૌ કોઈ એક સુંદર ભૂતકાળમાંથી પસાર થયેલા જ છીએ. તે છે આપણું બાળપણ. જન્મથી લઈને ધો.૧૦-૧૨ સુધી પહોંચે ત્યાં સુધી બાળક જ કહી શકાય અને બાળક એટલે ઈશ્વરે મનુષ્યને આપેલી ઉત્તમ અવસ્થા. આ જ એ ઉંમર, દિવસો કે સમય હોય છે કે જ્યારે આપણે સૌ કોઈ નિખાલસ મન, સ્વચ્છ વિચારો અને તમામ સારી આદતો સાથે જીવતા હોઈએ છીએ, વિચારતા હોઈએ છીએ. મોટા થઈ ગયા પછી જો કોઈ પાછો માગવાનો સમય કહે તો દિલ થી આપણો જવાબ આપણું બાળપણ જ હોય છે.

આપણને બાળપણ આટલી હદે વ્હાલું છે અને કંઈક અંશે આપણે આવું બાળપણ(મોજમસ્તી વાળું) જીવ્યા પણ છીએ. પરંતુ એ જ અમૂલ્ય બાળપણને માણવાની મજા આપણે આપણા સંતાનો, વિદ્યાર્થીઓ, પાસેથી કોઈને કોઈ રીતે છીનવી રહ્યા છીએ. નાનપણથી જ extra care ના ચક્કરમાં આપણે બાળકોને ડરપોક બનાવા લાગ્યા છીએ. આમ નહિ કરવાનું, આવું ન કરાય, આવું કરીએ તો આવું થાય વગેરે વગેરે જેવી ડરપોકની નકારાત્મક વાતો બાળક સાથે વર્તન દ્વારા કરીએ છીએ. જે સદંતર ખોટું છે. બાળકને તો એની જાતે જ થોડું મોટું થવા દો. એને સાચવવું આપણી ફરજ છે પણ એને પંપાળીને રાખવું એ એના જ વિકાસમાં અવરોધ ઉભો કરશે.

નાનપણથી જ બાળકોને તમામ મનગમતી રમતો રમવા દો. માટીનું મહત્વ સમજાવો. રમતગમતને પ્રાધાન્ય અપાવતા કરો. જીવનમાં ભણતરથી માંડીને કોઈપણ ક્ષેત્રમાં બાળક સફળતાપૂર્વક આગળ ત્યારે જ વધી શકે જ્યારે એનામાં ડર ના હોય. સાહસ હોય, આત્મસૂઝ હોય, આત્મવિશ્વાસ હોય, મુસીબતોનો સામનો કરવાની આવડત હોય અને આવા ગુણ કેળવવા બાળકને રમત-ગમતમાં જોડાવા પ્રેરો. એક Sportsman Spirit બાળકમાં જન્મશે તો તે ક્યાંય પાછળ પડશે જ નહીં એ મારો અનુભવ છે.

આપણે એક મશીનથી ભરેલા આધુનિક યુગમાં જીવીએ છીએ અને જાણ્યે-અજાણ્યે આપણા બાળકને પણ રોબોટ એટલે કે મશીન જેવા બનાવી દઈએ છીએ. જેમાં એની મૌલિકતા ખોવાઈ જાય છે. સાચું સમજવાની અને નિર્ણય કરવાની શક્તિ લુપ્ત થતી જાય છે. બાળક પરાધીન અને પરવશ બનતું જાય છે. પોતાનું જીવન જીવવા માટે પોતાના સિવાય બધી જ નિર્જીવ વસ્તુ પર નિર્ભર રહેવા લાગે છે અને પોતાના પરનો વિશ્વાસ ખોવા લાગે છે. ડરપોક બનવા લાગે છે. જીવનમાં અભ્યાસ લક્ષી સિવાય પણ અનેક નાની-મોટી પરીક્ષાઓ આપવાની જ હોય છે. તો આ બધા સામે ટકી રહેવા સારા માર્કે ઉત્તીર્ણ બનવા ગંભીર બનવું જરૂરી છે નહિ કે ભીરૂ પ્રકૃતિના કે ડરપોક સ્વભાવના બનવું… નાનપણથી જ પરીક્ષા માટે એક હાઉ…ભય, બીક, ડર, જેવા શબ્દો આપણા દ્વારા બાળકને વારંવાર બોલીને મગજમાં ઘર કરાવી બેસીએ છીએ. જેને લીધે ગમે તેવું હોશિયાર બાળક પણ પરીક્ષા વખતે અંદરથી થોડુંક ગભરાયેલું રહે છે. જે એને આગળ વધવામાં અવરોધ ઉભા કરે છે.

“ચિંતા” ને તો આમ પણ “ચિતા” સમાન ગણવામાં આવે છે. તો પરીક્ષા માટે stress એટલે કે ચિંતા શા માટે ? Stateless જીવન જીવવા પહેલા તો ભીતરના ડરને મારો તો જ જીવી શકાય. સફળતા મેળવી શકાય. આપણે પેલું સાંભળેલું છે ને “જો ડર ગયા સમજો મર ગયા” પરીક્ષામાં બાળકોની હાલત આવી જ થતી હોય છે. આવડતું બધું હોય પણ પરીક્ષા નજીક આવતા જ ભૂલાવા લાગે. પેપર લખતી વખતે જ યાદ કંઈ જ ન આવે. આ બધી વાતો પેલા “ડર” નામના વાયરસના લીધે થાય છે. કોઈપણ વિષય, અભ્યાસ કે જીવન શિક્ષણમાં “આ અઘરૂં છે” એવા શબ્દો આપણે જ નહીં વાપરવાના. આટલું સાંભળતા જ બાળક મનથી એ વાત મને નહિ સમજાય, નહિ આવડે એવું માની બેસે છે. એટલે કદાચ થોડું અઘરૂં હોય તો પણ તેની શાબ્દિક રજુઆત ન કરવી. તેના બદલે તે વાતને સરળ રીતે બાળકના મનમાં કેમ ઉતારવી એ આપણી ફરજ છે.

અત્યારના માણસની એક સૌથી મોટી તકલીફ એ છે કે સત્તાનો , પદનો નશો એવો તે ચડે છે લોકોને કે પોતે શું હતા ? કઈ રીતે આ પદ સુધી પહોંચ્યા તે ભૂલી જાય છે. જે ખરેખર સંઘર્ષના મનોમંથનમાંથી અમૃત સમાન મહેનત સાથે બહાર આવ્યા હશે તે લોકોના સ્વભાવમાં ફરક નહીં પડે. પણ, અફસોસ કે એવા લોકો આંગળીના વેઢે ગણાય તેટલા જ છે. પરીક્ષા સમયે જે અધિકારીઓ વિદ્યાર્થી પાસે આવીને એવી રીતે ઉભા રહે અને એવી નજરે જુએ કે કોઈ વાંક વગરનો વિદ્યાર્થી પણ તેના આવવાથી ભૂલ કરવા લાગે અને જરૂરી વાતો ભૂલવા લાગે. વાતાવરણ હળવું બનાવું જરૂરી છે. એ પણ શિસ્ત સાથે અત્યારની પ્રજા પોતાને વધુ પડતી એટલે કે Over Smart માને છે. એ જ વિચારોમાં ગફલતો કરી બેસે છે. એટલે એમની સાચી દિશા બતાવવા શિસ્તની પણ જરૂર છે. પણ પેલા આપણને નાનાં હતાં ત્યારે હથેળી જરાક વાંકી રાખીને મારીએને તેની જેમ… એટલે સબક પણ મળે અને ઊંડા ઘા એમના મગજ પર વિકૃતતા પણ ના જન્માવે. એટલે બાળકોને માત્ર બે પૃષ્ઠનું શિક્ષણ અને ટકાવારીની હરોળમાં પહેલા નંબરે લાવવાની ખોટી ઘેલછા કરતા વાતને ગૌણમાં મહત્વ આપી મુખ્ય વાત, મૂલ્ય શિક્ષણ શીખવવું જોઈએ. મુખ્ય વાત એટલે બે પુઠાના પુસ્તકની અંદર ભણાવવામાં આવતું મૂલ્યશિક્ષણ બાળકો જો નૈતિક મૂલ્યો જો સમજતા સ્વીકારતા થઈ જશે તો તેમના જીવનમાં ક્યારેય પાછા નહિ પડે. એ નક્કી છે એટલે જ લખાણની હોય કે જીવનની પણ પરીક્ષાથી ડરવાનું જ નહીં અને ડરાવવાના પણ નહીં.
એક શબ્દરમત જોઈએ તો..-
⚫ જે વધુને વધુ “ડરશે”
તેની હાલત
વધુ ને વધુ “રડશે” એવી થાય છે…

અંતે ખાસ યાદ રાખવા માટે મારી આટલી જ વિનંતી છે મિત્રો, વડીલો, શિક્ષકો, વાલીઓને માત્ર પરીક્ષા સમયે તું ડર નહિ એમ કહેવા કરતા બાળકના મનમાં આ ડરને જન્મ જ આપણે થવા દેવાનો નથી. એ બિન્દાસ બનીને ભણશે, સમજશે એટલે મુક્ત રીતે લખી શકશે અને સરવાળે સારૂ પરિણામ મેળવશે એટલે એની પ્રશંસા કરો. એનામાં છુપાયેલી હકારાત્મક બાબતો સાથે એનો પરિચય કરાવો. હસીને કહેવાયેલા, આત્મવિશ્વાસથી અને પ્રેમથી ભરેલા સ્વજનોના શબ્દો કંઈપણ અશક્ય કામ પણ શક્ય બની શકે તેવી અપાર હિંમત જે-તે વ્યક્તિમાં ઉભી કરી શકે છે. તો આ કુદરતની ભેટ એવા બાળકોની ખીલવાની તો કોઈ સીમા જ નથી. તેમની ઉડાન તો ખૂબ ઊંચે ઊંચે હોય છે. આપણે બસ તેની પાસે રહેલી પાંખો અને તેમની ભીતર છુપાયેલી એમની આવડત અને એમની તાકાતનો પરિચય એમને કરાવવાનો છે…..

૨૪ કેરેટ સોનાની વાત…       સુખી થવા ઈચ્છો છો ???       જો હા તો…       ખુશી વહેંચતા થઈ જાઓ…

🌟૨૪ કેરેટ સોનાની વાત…
સુખી થવા ઈચ્છો છો ???
જો હા તો…
ખુશી વહેંચતા થઈ જાઓ…

હેલ્લો દોસ્ત ! કેમ છો બધા ? મજામાં ને ? આ પ્રશ્ન સામે આવતા જ આપણો જવાબ હોય “હા”. કોઈ એમ નહિ કહે કે ‘ના’ મજાતો નથી. ઘણી તકલીફ છે, દુઃખ છે વગેરે વગેરે.. રોદણાં ગાવા નહિ બેસે. આપણે સહજતાથી જે ‘હા’ લોકોને કહીએ છીએ, એ જ સહજતાથી એ જ ‘હા’ ને આપણા જીવનમાં ઉતારી લેવાની છે. એ આપણી સૌથી મોટી ભૂલ કે ગલતફહેમી કહી શકાય કે આપણે એમ માનીએ છીએ કે હું મજામાં નથી દુઃખી છું. મને કેટલી બધી તકલીફો છે.મારી સાથે જ જીવનમાં આવું (આવું એટલે કે કંઈ પણ ખરાબ) શા માટે બને છે ? આવા બધા વિચારો આવે- એનો અર્થ એ ‘કૂપમંડુકતા’, એટલે કે કુવામાંના દેડકા જેવા વિચારો. દેડકાને પોતે રહેતા કુવાની દુનિયા જ સમગ્ર વિશ્વ છે એવું લાગે વાસ્તવમાં એવું હોતું નથી વાસ્તવની દુનિયા અલગ જ હોય છે.

‌. એક સીધી વાત છે દોસ્ત, આવા વિચારો એક ક્ષણ કદાચ પણ આવી જાય તો હું ના નથી પાડતી. આવ, સ્વાભાવિક છે, માણસ માત્ર ભૂલને પાત્ર પરંતુ બીજી જ ક્ષણે સારા વિચારોને પણ લાવવા જોઈએ. આપણા મન મગજને આપણે જ સમજાવવાનું છે કે મારી જાણ બહાર પણ મારાથી વધુ..અનેક ગણું વધારે દુઃખ હોય તેવા માણસો પણ આ દુનિયામાં છે જ. તેમની સરખામણીએ મારુ દુઃખ તો કંઈ નથી. સુખી થવાની પહેલી ચાવી છે બોસ “Think positive” જેટલું હકારાત્મક વિચારતા, જોતા, અપનાવતા શીખશો એટલી જ વધુ ખુશી મેળવી શકશો. સુખી વ્યક્તિ એ જ થઈ શકે જે કોઈ બીજાને ખુશી આપી શકે અને હા લોકોને ખુશી આપવી એ સાવ સહેલી વાત છે.ખરેખર એક વાર ટ્રાય કરજો પછી મારી વાત ને યાદ કરજો કે દુનિયાની મોજ આવી કે નહિ ?

ખુશી વહેંચવા રૂપિયાની જરૂર પડે એ તદ્દન ખોટી માન્યતા છે. ઈશ્વરે મનુષ્યને જ્યારે જન્મ આપ્યો ત્યારે કઈ બીજું બેંક બેલેન્સ નહોતું આપ્યું. અને મૃત્યુ સમયે જમા કરેલું બેંક બેલેન્સ કંઈ કામ નથી આવતું. ઉઠો ત્યારથી સુઈએ ત્યાં સુધી માત્ર ખુશ રહેવું અને ખુશ રાખવા. એવો જીવનમંત્ર દરેકે અપનાવો જોઈએ જેટલી ખુશી વધારે વહેંચશો એટલું વધુ સુખ તમે તમારા જીવનમાં પામશો.

હવે મનમાં પ્રશ્ન એમ થાય કે ખુશી આપણે લોકોને આપવી કઈ રીતે ? લોકો સુખી થાય એવું આપણે શું કરવું કે કરી શકીએ ? આપણે આપણા તરફથી માત્ર પ્રયત્ન કરવાનો છે કે લોકો ખુશ રહે. આપણા પ્રયાસ પછી પણ સામેવાળા ખુશ ના થાય તો તે તેનો પ્રશ્ન છે આપણો નહીં. ખુશી વહેંચવાની શરૂઆત સૌ પ્રથમ આપણા ઘરથી જ કરીએ ઘરમાં રહેનારા તમામ સભ્યો દિવસભર કંઈ ને કંઈ નાના-મોટા રોજીંદા કાર્યો કરતા જ હોય છે તો તે કાર્યોની પ્રશંસા કરવી , એમના કામને બિરદાવવું એટલે તેઓ ખુશ થશે અને વધુ કામ કરવા પ્રેરાશે અને ખરેખર કહું છું એમના ચેહરા પર જે ખુશી દેખાશે એમાંથી જે અપાર સુખ તમને મળશે તેની કોઈ સીમા જ નથી હોતી દોસ્ત….

દિવસ દરમ્યાન જેટલા પણ લોકો તમને મળે તે લોકો તમને મળીને ખુશ થઈ જાય તેવું કામ આપણે કરવાનું છે. હસતો ચેહરો પણ ઘણા પ્રશ્નોનું નિરાકરણ લાવી જ દે છે અને આપણને હસતા જોઈને કદાચ કોઈને સુખ મળતું પણ હોય તો પ્રસન્ન ચહેરે, હસતા મુખે દિવસ પસાર કરવો. મારૂં જ એક ઉદાહરણ કહું તો જ્યારે રોજ હું શાળાએ જાઉં છું તો આવતા-જતા વખતે બીજા ગામના કે શાળાના છોકરાઓ મને સામા મળે, તે લોકો મને ઓળખતા નથી મારો ચહેરો પણ જોયો નથી છતાં મને જોઈને રોજ હાથ હલાવે હસતા ચહેરે એ જોઈને હું પણ હાથ હલાવું મોં ઢાકેલું હોવાથી તેઓ મારો ચહેરો નથી જોઈ શકતા પણ મને તેમના હસતાં ચહેરા ગજબની ખુશી આપી જાય છે.

‌. પૈસા માત્ર હોવાથી સુખી નથી થવાતું દોસ્ત ! પૈસા જરૂરી છે પણ સર્વસ્વ નથી. પૈસાનું વર્ચસ્વ આપણા પર હાવી થવું ન જોઈએ સુખી થવું હોય અને ખુશી આપવી હોય તો સીધો સરળ ઉપાય બાળક બની જાઓ. તમારી ઉંમર ચાહે કોઈ પણ હોઈ મન-મગજ બાળક જેવું રાખો નિખાલસતાથી હસતા રહો. નાની નાની વાતને મોટી માનીને ખુશ થતા શીખો. જે મળે, જેટલું મળે તેને આનંદથી અપનાવતા શીખો. બાળકની જેમ ભૂલી જતા પણ શીખો. કોઈએ ગમે તે કર્યું હોય તમારી સાથે – ભૂલતા શીખો, માફ કરતા શીખો. કોઈને આપેલી ખુશીજ તમને તમારા મર્યા પછી જીવતા રાખી શકે છે. આપણને બધાને આપણું બાળપણ વ્હાલું જ લાગે અત્યારની પરિસ્થિતિ જોતા બધાંને મનમાં એવો વિચાર આવી જ જાય કે નાના હતા તો કેવું સારૂ હતું, તો હજુ પણ કદથી નહિ, ભૂતકાળમાં જઈને નહિ, પરંતુ ઈશ્વરના પ્રિય એવા બાળકો જેવા બનીને આપણે અપાર ખુશી વહેંચી જ શકીએ અને ખુદ સુખેથી જીવી શકીએ.
“ખુશી” માત્ર છે બે જ અક્ષરનો પણ જ્યારે જીવનમાં આવે ત્યારે અનેકના હૃદયમાં અપાર સુખની લહેરો ઉછળતી કરી શકે છે. ખુશી વહેંચવા કોઈ તહેવાર કે ખાસ દિવસોની જરૂર નથી. ગમે ત્યારે તમારા મનગમતા આસપાસના સ્વજનોને નાની-નાની વાતમાં સરપ્રાઈઝ આપીને ખુશ કરી શકો છો અને કરવું જ જોઈએ. રજાના દિવસોમાં ઘરનાં કામમાં મદદરૂપ થવું એ પણ ખુશી જ છે અને કામકાજથી થાકીને આવેલા આપણા સ્વજનોને સ્મિત સાથે વ્હાલ ભર્યા બે શબ્દો સાથે મીઠો આવકાર તે પણ ખુશી જ છે.

અપાર રણકો….

” “ખુશી” પાસેથી હું એટલું જ “શીખું”,
જેટલી વહેંચુ તેથી વધું હું જ પામું… “

“”આધુનિકતામાં ઝડપ સારી…પણ..વહાલા  પ્રેમમાં તો ધીરજ જ ન્યારી…””

“”આધુનિકતામાં ઝડપ સારી…પણ..વહાલા
પ્રેમમાં તો ધીરજ જ ન્યારી…””

” પ્રેમ ” માં અઢી અક્ષર એટલે જ છે કે એક અક્ષર પ્રેમ કરનારનો , તો બીજો અક્ષર સામે પ્રેમ આપનાર માટે અને અડધો અક્ષર પરસ્પર માટે રહેલા પ્રેમનો….
આખા અક્ષર એ બે વ્યક્તિ માટે અને પ્રેમ માટે અડધો અક્ષર એવો પ્રશ્ન થાય પણ એનું કારણ એ કે પ્રેમ હંમેશા અધુરો જ હોય ક્યારેય પ્રેમ પૂરો થઈ જ ના શકે. જ્યારે પણ મળો કે જુઓ સતત પ્રેમ વધ્યા જ કરે તે વ્યક્તિના દોષમાં પણ ગુણ જોતા આવડી જાય છે તે પ્રેમ છે. સાચા પ્રેમને સંતોષ ક્યારેય ના થાય. એકબીજાને ખુશી આપવા, એનું સારૂ ઇચ્છવામાં, જોવામાં પ્રીત વધ્યા જ કરે એટલે જ પ્રેમને લોકો પાગલ પણ કહે છે. પણ અત્યારે જે રીતે તેનો અર્થ યુવા પેઢી સમજે છે તે આંશિક ખોટો અર્થ છે. રાધા-કૃષ્ણના પ્રેમ ને સૌ કોઈ જાણે તેવોજ વિશેષ પ્રેમ ગોપીઓ અને કૃષ્ણનો પણ છે એ પ્રેમને સમજવામાં ઘણાં જ્ઞાનીઓનું જ્ઞાન ટૂંકુ પડ્યું હતું.

આ પૃથ્વી પર આવ્યા છીએ એટલે પ્રેમથી તો સૌ કોઈ સાથે રહેવાનું જ.અને ખરી વાત એમ છે કે પ્રેમ જ બધુ છે તે સિવાય જીવન જીવવું… સુખેથી જીવવું મુશ્કેલ છે. પણ સાચા પ્રેમનો જો આનંદ માણવો હોય તો બે હાથ વાળા મનુષ્ય કરતા તેના રચનાકાર હજારહાથ વાળા ઈશ્વર સાથે પ્રેમ થઈ જાય અને પછી જે અલૌકિક આનંદ મળે છે તે આનંદ લૌકિકમાં નહિ.
મૃત્યુ સુધી આપણી આસપાસના લોકોને પ્રેમ ન કરવો એવું હું નથી કહેતી. તેમને પ્રેમ તો અપાર આપવાનો જ છે પણ એમના મોહમાં ફસાઈ જવાનું નથી. મોહ આસક્તિ તો માત્ર ઈશ્વરમાં જ રહેવી જોઈએ. ૧૪ ફેબ્રુઆરી એ પ્રેમનો દિવસ અને વસંત એટલે પ્રેમની ઋતુ એવું કહેવામાં માનવામાં આવે છે. પણ આવા પ્રેમના કોઈ એક દિવસ કે કોઈ એક ઋતુ ન હોય. તે તો અપાર હોય, નિરંતર વૃદ્ધિ ધરાવતો હોય પ્રેમમાં તો ઓટને સ્થાન જ નથી માત્ર ને માત્ર ભરતી જ હોય છે.

ગોપીઓને તો પ્રેમની સાચી ગુરૂ માનવામાં આવે છે. પ્રેમની કોઈ ચોક્કસ પરિભાષા આપી જ ના શકાય પ્રેમનું તો એવું છે કે તેને નેત્રથી, શબ્દથી, સ્પર્શથી, વર્તનથી, વિશ્વાસથી માનથી બસ સ્વજનોને એનો અહેસાસ કરાવવાનો હોય છે. એ જ સાચો પ્રેમ છે મહાજ્ઞાની ઉદ્ધવ ને પણ ગોપીઓએ ભક્તિભાવના પ્રેમથી ભીંજવી નાખ્યા…અને અનેક દલીલ પછી ઉદ્ધવ કબૂલી જાય છે કે ” સબસે ઊંચી પ્રેમ સગાઈ ” જ્યાં જ્ઞાન પણ પીગળી જાય છે.

પ્રેમમાં સહજતા હોય સરળતા હોય, કોઈ દિવસ પ્રેમ ભરેલા દિલને આ કરો.. તે કરો..એવા સૂચનો કહેવા નથી પડતા. બસ બધુ જે પ્રિયજન માટે શ્રેયકર છે તે સહજતાથી થઈ જતું હોય છે એ જ પ્રેમ છે. જ્યાં પ્રેમ છે ત્યાં સુચનને સ્થાન નથી હોતું. કંઈ કહ્યા વગર જ બધું, એકમેકની વાતો, સારું-નરસું સમજાઈ જાય અને તેવા કાર્યો થઈ પણ જાય છે.

પ્રેમ માટે એક પંક્તિ યાદ આવે છે કે “પ્રેમની કડી સર્વથી વડી”. પ્રેમ જ મુખ્ય છે પણ આ પ્રેમ કોઈ પ્રેમી-પ્રેમિકા, પતી-પત્ની, કોઈ અત્યારના સમયના લોકો જે સમજે છે તેવા આછકલા પ્રેમની વાત નથી. અત્યારના ઝડપી યુગમાં પ્રેમ પણ ઝડપી થઈ જાય અને ઝડપી તૂટી પણ જાય છે. ચીકલેટ્સ, ગિફ્ટ, ખર્ચાઓ, દેખાદેખી, સ્ટેટ્સ, આવા બધા ચક્રવ્યૂહમાં અત્યારનો પ્રેમ ફસાયેલો હોય છે. જેનો કોઈ અર્થ જ નથી. અત્યારના યુવાઓનો પ્રેમ એ આકર્ષણ થઈ ગયો છે.ઘણીવાર તો પ્રેમ શારીરિક સંતોષનુ રૂપ બની જતો જોવા મળે છે…વાસ્તવમાં પ્રેમ તો પવિત્ર અને બંધનમુક્ત હોવો જોઈએ, પ્રેમમાં સામેના પાત્ર માટે સહર્ષ સમર્પણ હોવું જોઈએ.

અત્યારના સમયમાં યુવક-યુવતીઓ જે પ્રેમની વાતો કરે છે, કસમો ખાય છે, મરી જવાની, અરે મારી નાખવાની વાતો કરે છે. એ ખરેખર વાસ્તવમાં પ્રેમનો એક છાંટો પણ નથી એ છે માત્ર ને માત્ર આકર્ષણ,જુનૂન, પાગલપણ અને ગાંડપણ. પ્રેમમાં ક્યારેય બંદીશ ન હોય જ્યારે આજના સમયમાં પ્રેમ કરે એટલે કે જાણે તે વ્યક્તિ પર પોતાનો કોપીરાઈટ હોય તેમ વર્તે. તે કહે એટલું જ કરવાનું, તેમ જ જીવવાનું,કહે એમના જોડે જ બોલવાનું અને જો ન કરીએ તો બ્લેકમેઇલ કરવાના કિમીયા.. મરી જવાની ધમકી વગેરે વગેરે… અરે દોસ્ત આ તો કંઈ પ્રેમ કહેવાય ???

પેલા નાના છોકરાઓ સાબુ વાળા પાણીમાંથી રંગબેરંગી ખુબસુરત પરપોટા હવામાં ઉડાડેને જે જોવાની આપણને પણ મજા આવે. આજનો પ્રેમ પણ કંઈક એવાજ રંગબેરંગી પરપોટા જેવો છે. લાગે જોવામાં સરસ થોડોક ઊંચે ઉડે ત્યાં દેખાતો બંધ થઈ જાય.
અરે, દોસ્ત ! પ્રેમ કરો જ છો તો પેલા એમની પાસેથી અપેક્ષા રાખવાની મૂકી દો, બસ પ્રેમ કરો. પ્રેમમાં કોઈ શરત ન હોઈ.. કોઈ ફરિયાદ ન હોઈ.. માંગણી ન હોઈ…

પ્રેમ શબ્દને આજના ઘણા લોકોએ સસ્તો કરી મુક્યો છે પ્રેમ જેટલો મહાન છે તેટલી મહાનતા તેની અત્યારના જળવાતી નથી પ્રેમને આછકલો બનાવી દીધો છે.આમ તો પ્રેમની કોઈ પરિભાષા જ ન થઈ શકે છતાં મારી નજરે અપાર પ્રેમ એટલે —
એના સન્માનની ચિંતા એનાથી વધુ આપણને હોય..પ્રેમ તો એ છે કે જેમાં I LOVE YOU કેહવાના ફરજની જરૂર નથી..પ્રેમમાં એની ખુશી જ આપણી ખુશી બની જાય છે..પ્રેમ તો એ છે કે એની નાની નાની તકલીફ પણ આપણને મોટી લાગે..પ્રેમ તો જ લાંબો ટકે જો એને વિશ્વાસ અને માનના કવર સાથે આપવામાં આવે…
સાચો પ્રેમ કરનાર, બદલામાં અપેક્ષા ક્યારેય નથી રાખતો તે માટે તો તે વ્યક્તિને ખુશ રાખવી અપાર પ્રેમ કરવો એ જ જીવન હોય છે..ઘણું કરીએ છતાં એવું લાગે કે હજુ એમના માટે કંઈ નથી કરી શકતા તે પ્રેમ છે..
નામ ની ઓળખાણ ના હોય છતાં માત્ર આંખોની ઓળખાણથી જ દિલ ખુશ થઈ જતું હોય તો તે પણ પ્રેમ છે…પ્રેમની કોઈ સીમા નથી તે તો અપાર છે.અનુપમ સૌંદર્ય થી ભરપૂર છે. પ્રેમ છે તો જ જીવન છે.
પ્રેમ શબ્દ સાંભળતા જ આપણને રાધા-કૃષ્ણ તરત જ યાદ આવે પરંતુ પ્રેમ એ કોઈ પ્રેમી-પ્રેમિકા પૂરતો જ સીમિત નથી. પ્રેમની પરિભાષા ખુબજ ઊંચી ને ઉત્તમ છે.સબસે ઊંચી પ્રેમ સગાઈ. દુર્યધનનો મેવો છોડી વિદુરની ભાજી સ્વીકારી તે પ્રેમ.શબરીના એંઠા બોર ચાખ્યા તે છે પ્રેમ.વ્રજની ગોપીનો કૃષ્ણ માટેનો ભાવ તે છે પ્રેમ…લાખ ફરિયાદો કરશે, પરંતુ પણ જો કોઈ એના માટે ફરિયાદ કરે તો તેના માટે લડી લેશે તે છે પ્રેમ…પ્રેમ ક્યારેય પૂરો નથી થતો તે તો સમય મુજબ પરિવર્તન પામે છે.આજના સમયમાં એવી ફરિયાદો સાંભળવા મળે છે કે તમે મને પ્રેમ નથી કરતા કે પેલા ની જેમ પ્રેમ નથી કરતા.. અરે ! શરૂઆતમાં I LOVE YOU કહેવાતું પણ હવે એમ કહે તારું ધ્યાન રાખજે તે પ્રેમ જ છે.પહેલા અપાતી ચોકલેટ ને ગિફ્ટના હાથ હવે માંદગીમાં દવા આપે તે પ્રેમ જ છે.દુનિયા સામે ભલે આપણને ના કહે કે I LOVE YOU પણ દુનિયાને આપણા પર આંગળી ચીંધવા ના દે તે પ્રેમ જ છે….

” જન્મ પ્રેમ..મૃત્યુ પ્રેમ…પ્રેમ સૌથી પરે..
કુંતિજી એ તો દુઃખને પણ કર્યો છે પ્રેમ
આ જગતમાં અપાર પ્રેમ કરે તે જ તરે..

appar8691@gmail.com

પ્રતિલિપિ પર વાંચો – “?️વિદ્યાર્થી છો…. વિદ્યાના જ “અર્થી”બનો ખુદ “અર્થી”પર શા માટે ???”

“?️વિદ્યાર્થી છો….
વિદ્યાના જ “અર્થી”બનો
ખુદ “અર્થી”પર
શા માટે ???”, ને પ્રતિલિપિ પર વાંચો :
http://gujarati.pratilipi.com/story/%3F%EF%B8%8F%E0%AA%B5%E0%AA%BF%E0%AA%A6%E0%AB%8D%E0%AA%AF%E0%AA%BE%E0%AA%B0%E0%AB%8D%E0%AA%A5%E0%AB%80-%E0%AA%9B%E0%AB%8B-%E0%AA%B5%E0%AA%BF%E0%AA%A6%E0%AB%8D%E0%AA%AF%E0%AA%BE%E0%AA%A8%E0%AA%BE-%E0%AA%9C-%E0%AA%85%E0%AA%B0%E0%AB%8D%E0%AA%A5%E0%AB%80%E0%AA%AC%E0%AA%A8%E0%AB%8B-%E0%AA%96%E0%AB%81%E0%AA%A6-%E0%AA%85%E0%AA%B0%E0%AB%8D%E0%AA%A5%E0%AB%80%E0%AA%AA%E0%AA%B0-%E0%AA%B6%E0%AA%BE-%E0%AA%AE%E0%AA%BE%E0%AA%9F%E0%AB%87-gpvB0wHTnpod?utm_source=android&utm_campaign=content_share
અગણિત રચનાઓ વાંચો, લખો અને આપના મિત્રો સાથે શેર કરો. તદ્દન નિ:શુલ્ક